સંસ્થાની સફરના સથવારે

સમાજ ઉત્કર્ષ માટે કાર્ય કરતી કોઈ પણ સંસ્થાના વિકાસ માટે પ્રાથમિક જરૂરિયાત શું છે ?

સતત રચનાત્મક કર્યો કરવાની ધગશ તથા આધુનિક વિચારસરણી ધરાવતી સેવાભાવી કાર્યકર્તાઓની એવી ટીમ જે ગરિમા અને સમજદારીપૂર્વક ભવિષ્યની પેઢીને પોતાનાં અનુભવનો વરસો અર્પણ કરી શકે.

આવા જ કેટલાક ખંતીલા અને ઉત્સાહી યુવાનોએ સમાજ કલ્યાણની તમન્ના હૃદયમાં ધરી ૧૯૮૩ ની સાલમાં નવરાત્રિનાં પવિત્ર પરવા માં ' અરીહંત ગ્રુપ ' નામની સંસ્થાની સ્થાપના કરી.

કચ્છી સમાજનો બહોળો વર્ગ જ્યાં વસે છે તેવા મીની કચ્છ સમ ડોમ્બીવલી નગરીમાં સમાજ માટે વિવિધ પ્રવૃતિઓ કરવાનાં ઉદેશથી શ્રી રસિક છેડા ( બાંભડાઈ ) , શ્રી ઉમેશ નાગડા ( અંકલ ) - વીઢ , શ્રી રવીન્દ્ર ચાંપશી જૈન (નારાણપુર ) , શ્રી મોતીલાલ ખીમજી મારું ( માપર ) , શ્રી અમર હીરજી ગડા (બાડા), શ્રી કાન્તિલાલ લખમશી સોની ( બાંભડાઈ ) , શ્રી મહેન્દ્ર મેઘજી મોતા ( વારાપધ્ધર ) , શ્રી મુલચંદ દેઢિયા ( લાયજા ) આ સભ્યો એ ભેગા થઈને ' અરીહંત ગ્રુપ' ની સ્થાપના કરી.

દર શનિવારે શ્રી રસિક છેડા ના ઘરે ભેગા થઇ રાત્રીભાવના કરતાં આ દરમ્યાન સાથે મળીને સમાજ માટે કંઈક કરી દેખાડવાની સંઘભાવના નિર્માણ થઇ.

પર્યુંસણમાં સ્ટેજ પ્રોગ્રામ , ધાર્મિક રથયાત્રામાં સ્વયંસેવક તરીકેની સેવા જેવી પ્રવૃતિઓથી શરૂઆત થઇ. ત્યારબાદ મેડીકલ ક્ષેત્રે કંઈક કરવાની ઈચ્છા સાથે વિવિધ શીબોરોનું આયોજન કરવામાં આવ્યું. સૌ પ્રથમ શ્રી કે. બી. વીર સ્કુલમાં સ્ત્રીરોગ નિદાન અને કેન્સર નિદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. તેમાં લગભગ ૨૫૦ જેટલી મહિલાઓએ ભાગ લીધો

અરીહંત ગ્રુપ અને સત્યસાંઈ બ્લડબેંકનાં સૌજન્યથી મહા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જેમાં રેકોર્ડ રૂપે ૩૪૭ બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું.

શૈક્ષણિક ક્ષેત્રમાં પદાપર્ણ કરતાં સંસ્થા ધ્વારા જરૂરતમંદ વિદ્યાર્થીઓને રાહત દરે નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું

૧૯૮૩ માં બીજ રૂપી રોપેલી સંસ્થા અરીહંત ગ્રુપનો વિકાસ સમયાંતરે થતો ગયો . સમાજની માંગને અનુરૂપ પ્રવૃતિઓ થતી રહી.

૧૯૯૦ થી સંસ્થા માટે વિકાસનો નવો તબક્કો શરુ થયો .શ્રી ગીરીશ વિસનજી દેઢિયા ( પત્રી ) નાં માર્ગદર્શન હેઠળ તેમની જ જગ્યામાં ' ન નફો ન નુકસાન ' ના ધોરણે અનાજનું વિતરણ શરુ કરવામાં આવ્યું. સમાજ તરફથી અપેક્ષિત બહોળો પ્રતિસાદ મળ્યો. ૨૦૦૧ માં કે. વી. ઓ. માં તેનું રૂપાંતર થયું.

સંસ્થાની પ્રવૃતિઓથી ચિરપરિચિત થતાં નવા યુવાનો સંસ્થામાં જોડતા ગયા. સંસ્થાનું કાર્યક્ષેત્ર વિસ્તૃત થવા લાગ્યું. અનેક શુભચિંતકોનાં સાથ અને સહકારથી નવી નવી પ્રવૃતિઓ ઉમેરાતી ગઈ. જેમાં વિદ્યાર્થી સન્માન સમારોહ , વકતૃત્વ સ્પર્ધા અને રમતોત્સવ જેવી પ્રવૃતિઓ શરુ કરવામાં આવી. ક. વી. ઓ. સેવા સમાજ ના સહયોગથી કલવા થી કર્જત સુધીના વિદ્યાર્થીઓ માટે બુક્બેંક ની સ્થાપના કરવામાં આવી. આ બધી પ્રવૃતિઓ દરમ્યાન ગામ ડુમરાના શ્રી વિસનજી હરશી નરશી ગાલા સાથે સંસ્થાના કાર્યકર્તાઓની મુલાકાત થઇ; ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ , ઉમંગ અને કાર્ય કરવાની ધગશ જોઈ વિસનજીભાઈએ સંસ્થાને તન, મન અને ધનથી સહકાર કરવાની તત્પરતા દર્શાવી અને જરૂરિયાતો વિષે નું મંતવ્ય માગ્યું. ત્યારે કાર્યકર્તાઓએ સંસ્થાના કાર્યાલય માટે પોતાની જગ્યા માટેની તાતી જરૂરિયાત હોવાની રજૂઆત કરી અને ત્યારે વિસનજીભાઈએ કાર્યાલય માટે જે પણ સહયોગ જોઇશે એ આપવાની તત્પરતા દર્શાવી.